ડિંડોલીમાં આવેલ હનુમાન મંદિર પાસેથી પસાર થતી કારમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. કારમાં સવાર પરિવારનાસ ભ્યો સમયસર ઉતરી જતા તમામનો બચાવ થયો હતો.
ડીંડોલી હનુમાન મંદિર પાસે એક ચાલતી કારમાં અચાનક આગ લાગી જતા ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ કાર ચાલકે ખૂબ જ હોશિયારીથી કાર રોડ બાજુએ પાર્ક કરી તેમાં સવારને બહાર કાઢી લીધા હતા. બર્નિંગ કારમાં સવાર પરિવાર સુરતથી નંદુરબાર જતા દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. જોકે, સમયસર આગની જાણ થઈ જતા કોઈ જાનહાનિ નોંધાય ન હતી. 30 મિનિટ સુધી રોડ બાજુએ સળગતી કાર પર ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેતા લોકોએ રાહતનો દમ લીધો હતો. તો ઘટનાને નજરે જોનાર પ્રત્યદર્શીએ જણાવ્યું હતું કે, હું રીક્ષા ચાલક છું, હનુમાન મંદિર પાસે રીક્ષા પાર્ક કરી મિત્ર સાથે વાતચીત કરતો હતો. ત્યારે એક કાકાએ આવીને કહ્યું, ભાઈ તારી રીક્ષા આગળ લઈ લે પાછળ એક કારમાંથી ધુમાડો નીકળે છે. મેં તાત્કાલિક મારી રીક્ષા આગળ લઈ ઘટના સ્થળે દોડી જતા લોકોની ભીડ થઈ ગઈ હતી. કાર ચાલક કારમાં પાછળ બેસેલા પરિવારને ઉતારી કારમાંથી સામાન બહાર કાઢી રહ્યો હતો. ડીકી ખોલવાનો પ્રયાસ કરતા કાર ચાલકની મદદ માટે લોકો આગળ આવ્યા હતા. આજુબાજુના દુકાનદારો ફાયર બોટલથી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે, થોડી જ વારમાં પોલીસ પણ આવી ગઈ હતી. ત્યારબાદ મેં ફાયરને જાણ કરતા ફાયરના જવાનો પણ દોડી આવ્યા હતા. લગભગ 30 મિનિટ સુધી કાર સળગતી રહી હતી. ત્યારબાદ ફાયરના જવાનોએ ઘટના સ્થળે આવી બર્નિંગ કાર પર પાણીનો મારો કરી આગને કાબૂમાં લઈ લીધી હતી. પીડિત પરિવાર સુરતથી નંદુરબાર જતું હોવાનું અને સ્વીફ્ટ ડિઝાઈયર કારમાં શોર્ટ સર્કિટને લઈ આગ લાગી હોવાનું પાછળથી જાણવા મળ્યું હતું.


0 Comments