Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

તક્ષશિલા - બે વર્ષ


 સુરતીઓ કદી ન ભુલે તેવા તક્ષશિલા અગ્નિકાંડ કે જેમાં બાળકો છત પરથી કુદતા હોય તેવા દ્રશ્યો જ હચમચાવી દે તેવા હતા. જે ઘટનાને બે વર્ષ નો સમય વિતી ગયો છતા આરોપીઓ સામે કોઈ કડક પગલા ન લેવાતા ક્યારે ન્યાય મળશે તેવો સવાલ મૃત બાળકોના પરિવારની આંખો કરી રહી છે. ત્યારે ફરિયાદ પક્ષના વકીલ પિયુષ માંગુકિયાએ કહ્યું કે, આ કેસની ટ્રાયલ તો ઠીક પણ બે વર્ષ થવા છતા આરોપીઓ સામે ચાર્જફ્રેમ પણ થયો નથી. અત્યાર સુધી આ કેસમાં સંડોવાયેલા 14 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેમાંથી 9ને તો જામીન મળી ગયા છે અને તેઓ પોતપોતાની ફરજ પર હાજર થઇ ગયા છે. જ્યારે પાંચ આરોપી હજુ પણ જેલમાં છે. બિલ્ડરોની પત્નીને આરોપી બનાવવી કે નહીં તે અંગે કોર્ટમાં લડત ચાલી રહી છે. આ તમામ પરીસ્થિતિ વચ્ચે બાળકો ગુમાવનારા વાલીઓ ઘટનાના દિવસે જ્યાં ઉભા હતા આજે પણ ત્યાં જ ઉભા હોવાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ચાર્જફ્રેમ નહીં થવાના કારણો પણ ગળે ઉતરી શકે તેવા ન‌થી. ચાર્જફ્રેમ નહીં થવા પાછળ કહેવાય છે કે આરોપીઓએ જુદા જુદા તબક્કે કેસમાંથી મુક્ત થવા ડિસ્ચાર્જ અરજી કરી હતી. આ ઉપરાંત કેટલીક વખત તમામ આરોપીઓને એકસાથે કોર્ટમાં હાજર રાખવા માટે પૂરતો પોલીસ જાપ્તો મળ્યો ન હતો અને સૌથી મોટું કારણ એ બતાવવામાં આવી રહ્યું છે કે કોરોનાને કારણે ચાર્જફ્રેમ કરવામાં આવ્યો નથી. જોકે આ જ કોરોના કાળ દરમિયાન સેશન્સ કોર્ટમાં તક્ષશિલા સિવાયના અન્ય 20 જેટલા કેસમાં ચાર્જફ્રેમ થયા હતાં. તક્ષશીલા અગ્નિકાંડમાં અઢી વર્ષથી માંડી 22 વર્ષના નિર્દોષ કિશોરનો ભોગ મોટા અને ભ્રષ્ટ અધિકારીઓની બેદરકારીથી લેવાયો હતો. ઘટનાના દિવસે સરકાર સંવેદનશિલ બની અને ઘટનામાં સંડોવાયેલા જવાબદારને છોડવામાં નહીં આવે તેવી જાહેરાત કરી હતી. અત્યાર સુધી જવાબદાર મોટા અધિકારીઓને બક્ષી દેવામાં આવ્યા છે. પાલિકાના એક મોટા જવાબદાર અધિકારીની તો માત્ર ટ્રાન્સફર કરાઇ હતી. જેલ ભેગા કરાયેલા અધિકારીઓ ફરજ પર પાછા આવી ગયા છે. અત્યાર સુધી વાલીઓએ સુપ્રિમ કોર્ટમાં 10 વખત, હાઇકોર્ટમાં 100થી વધુ વખત અને સેશન્સ કોર્ટમાં અસંખ્ય વખત ન્યાય માટે ધક્કા ખાધા છે. સરકાર સંવેદનશીલ હોય તો આ કેસમાં હસ્તક્ષેપ કરી ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવે. અમે તો અમારા વ્હાલસોયા કાળજાના કટકા સમાન રત્નોને ખોયા છે, એટલે અમે ન્યાય નહી મળે ત્યાં સુધી લડીશું. તક્ષશીલાની રાખ તો થંડી થઈ ગઈ છે પણ અમારા કલેજાની આગ નથી બુજાય. આનાથી વિશેષ મારે હવે કહેવાનું કાઈ રહેતું નથી. તેમ એક વાલીએ વ્યથા ઠાલવતા કહ્યુ હતું.


તક્ષશિલા કાંડમાં ઝડાયેલા આરોપી અધિકારીઓમાંથી અતુલ ગોરસાવાલા, હિમાંશુ ગજ્જર, પરાગ મુન્શી, વિનુ પરમાર, દિપક નાયક, જીજ્ઞેશ પાઘડાલ, કીર્તી મોડ, સંજય આચાર્ય, જયેશ સોલંકી તો હાલ જામીન પર મુક્ત થયા છે. જ્યારે ભાર્ગવ બુટાણી, રવિ કહાર, હરસુખ વેકરિયા, દિનેશ વેકરિયા, સવજી પાઘડાલ હાલ જેલમાં છે. ત્યારે હવે જોવુ એ રહ્યું કે આ પિડીત પરિવારોને ન્યાય મળશે કે કેમ...

Post a Comment

0 Comments