સોશિયલ મીડિયા પર અન્યના નામે બોગસ એકાઉન્ટ બનાવી ફોટો અને બીભત્સ કોમેન્ટ કરી બદનામ કરવાની સાથે ફ્રોડ કરનારાઓ સામે હવે સુરત પોલીસ એકશનમાં આવી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે મંગળવારે 40 અને ત્યારબાદ બુધવારે સાંજ સુધીમાં વધુ 30 સાયબર ક્રાઈમની જુદાજુદા પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાવવા પામી છે. સોશિયલ મીડિયા પર અન્યના નામે બોગસ એકાઉન્ટ બનાવીને તેમના નામે ફોટો અને બીભત્સ કોમેન્ટ કરી બદનામ કરનારાઓ તથા રૂપિયાને લગતા ફ્રોડ કરનારા વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો હુકમ થતા જ છેલ્લા 48 કલાકમાં ફરિયાદનો રાફડો ફાટયો હોય એમ 70થી વધુ ગુના દાખલ થયા છે. છેલ્લા 24 કલાકમાં 30 ફરિયાદો નોંધાઈ છે. ઓનલાઈન ઠગાઈમાં ફેસબુક થી મિત્રતા કેળવી યુવાનોને વાતોમાં ભોળવી અજાણી મહિલાના નામે કોલ કરી નગ્ન વિડીયો ઉતારી બ્લેઈક મેઈલ કરવાની સાથે સસ્તામાં વસ્તુ વેંચવાનું, બેંક કર્મચારીના નામે, ક્રેડિટ કાર્ડની લિમીટ વધારવા, બેંક એકાઉન્ટની કે.વાય.સી. ચાલુ કરાવવા સહિત અનેક બહાના હેઠળ તો સાથે લકી ડ્રોમાં કાર ઈનામમાં લાગી હોવાનું, આર્મી મેનના નામે સહિત અનેક રીતે ઠગાઈ આચરાઈ રહી છે. ત્યારે સુરતમાં ફ્રોડના ગુનાઓમાં ફરિયાદ દાખલ કરવાના આદેશ સાથે જ ફરિયાદોનો જાણે મારો થયો હોય તેમ લાગી રહ્યું છે. હાલ પોલીસ દ્વારા સાઈબર ક્રાઈમ આચરનારાઓ સામે ફરિયાદો લઈ તેઓને ઝડપી પાડવા અને આ દુષણને દુર કરવા કવાયત પણ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

0 Comments