અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી સાયણ રોડ સાંઈ રો હાઉસમાં રહેતા અશ્વિનભાઈ શેલીયા હીરાના કારખાનામાં કામ કરે છે. તેમના પત્ની ભાવનાબેન મંગળવારે સવારે ઘરે હતા. ત્યારે 2 કિન્નર તેમના ઘરે આવ્યા હતાં. જેથી ભાવનાબેને પાડોશી પાસેથી લાવી તેમને 100 રૂપિયા દાપુ આપ્યું હતું. જોકે બન્ને કિન્નરોએ ભાવનાબેનને તારા મનમાં ધારેલા બે કામ થઈ જશે પરંતુ તેના માટે અમારે એક વિધી કરવી પડશે તે વિધી કરવા માટે તમારા પાંચ સોનાના દાગીના લઈ આવો અને અમે ચાર રસ્તે જઈ વિધી કરી આપીશુ. તેવી વાતો કરી તેમને વિશ્વાસમાં લઈ લીધા હતા. કિન્નરોની વાતોમાં આવીને ભાવનાબેને તેમને 96 હજાર 750ની કિંમતના સોનાના દાગીના આપી દીધા હતા. દાગીના લઈ કિન્નરો વિધી કરીને અડધો કલાકમાં પરત આપી જશું તેવું કહી પલાયન થઈ ગયા હતા. ત્રણ કલાક બાદ પણ તેઓ પરત નહી આવતા ભાવનાબેને તેમની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેઓ મળી આવ્યા ન હતા. આખરે બુધવારે તેમણે અમરોલી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.ભાવનાબેનની ફરીયાદ બાદ અમરોલી પોલીસે ટીમ બનાવી સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં કિન્નરો જે રિક્ષામાં આવ્યા હતા તેના નંબરના આધારે રિક્ષા ચાલકને ઝડપી પુછપરછ કરતા કિન્નરો સ્ટેશન નજીકની હોટેલમાં રોકાયા હોવાનું સામે આવતા પોલીસે હોટેલોમાં શોધખોળ કરી કિન્નરોનો સ્વાંગ ધરી ઠગાઈ કરતા રાજકોટના તરઘડીના બાબુ પરમાર અને મહેશનાથ પરમારને ઝડપી પાડ્યા હતા. પોલીસે દાગીના કબ્જે કર્યા હતા. બાબુ સામે 9 અને મહેશનાથ સામે અલગ અલગ 15 ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
0 Comments