સુરત મહાનગર પાલિકાના 30 વોર્ડના 120 માંથી ભાજપે 119 ઉમેદવારોના નામો જાહેર કરતા જ વિરોધનો વંટોળ સામે આવ્યો છે. જેમાં વોર્ડ નંબર 3ના ઉમેદવારોને લઈ કાર્યકરોએ વિરોધ નોંધાવી કાર્યાલયે પહોંચી દેખાવો કરવાની સાથે સી.આ. પાટીલ અને મંત્રી કુમાર કાનાણીને ફોન કર્યા હતાં. સાથે કાર્યકરોએ કાર્યાલય બહાર પેજ પ્રમુખના ફોર્મ સાથે અન્ય વસ્તુઓ પણ સળગાવી હતી.
સુરત પાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા 30 વોર્ડના 119 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવારોને લઈને સ્થાનિક ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. ચીકુવાળી ખાતે આવેલા વોર્ડ નંબર 3ના કાર્યાલય પર પહોંચીને કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. વોર્ડ નંબર 3માં ભાજપે દક્ષાબેન લવજીભાઈ ખેની, ભાવનાબેન રાજેશભાઈ દેવાણી તથા ધર્મેશભાઈ ગોરધનભાઈ સરસીયા અને ભાવેશભાઈ શંભુભાઈ ડોબરીયાને ટિકિટ આપી છે. આ ચારેય ઉમેદવાર સ્થાનિક કાર્યકરોને પસંદ ન હોય તે રીતે ભાજપના વોર્ડ કાર્યાલય પર જઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોતાની પસંદગીના ઉમેદવાર ન મૂકાયા હોવાથી 200થી વધુ કાર્યકરોએ સ્થાનિક ઉમેદવાર ઉભો રાખવાની માંગ કરી હતી. તમામ ચારેય ઉમેદવાર આયાતી હોવાનો રોષ પ્રગટ કરતાં કાર્યકરોએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને ફોન કરી કહ્યું કે આવું કેમ કર્યું ત્યારે પાટીલે કહ્યું કે તમારા ધારાસભ્યએ નામ આપ્યા અને ધારાસભ્ય તથા આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને ફોન કરતા તેઓએ કહ્યુ હતું કે પણ પણ માથાકુટ કરી રહ્યો છે. તો બીજી તરફ કાર્યકરોને અન્યાય લાગતા તેઓએ કાર્યાલય બહાર જ પેજ કમિટીના કાગળો પણ સળગાવી દઈ વિરોધ નોંધાવ્યો હતો.
આયાતી ઉમેદવારથી રોષે ભરાયેલા વોર્ડ નંબર 3ના કાર્યકરોએ રોષ સાથે કહ્યું કે, વર્ષોથી જીવના જોખમે મહેનત કરે છે એ કાર્યકરોનો ભાવ પૂછાયો નથી. જે તે વખતે કાર્યકરોનો વિરોધ કરનારાને જ ટિકિટ આપવામાં આવી છે. આવા આયાતી ઉમેદવાર અમારા વોર્ડને ચાલે એમ નથી. માટે અમે સખત વિરોધ કરતાં પેજ કમિટી સળગાવીને વિરોધ કર્યો છે.
0 Comments