જીવનના પાછલા સમયમાં એકલતા દૂર કરવા અંકલેશ્વરના 68 વર્ષીય વર અને મુંબઈનાં 65 વર્ષીય વધૂએ રવિવારે લગ્ન કરી રહેવા માટે વડોદરાને પસંદ કર્યું છે. મુંબઈનાં વૃદ્ધાએ એકલતા દૂર કરવા ફરીથી લગ્ન કરવાનો વિચાર બાળકો સામે મૂક્યો તો તેમણે વિચારને રાજી-ખુશીથી અપનાવ્યો હતો. આ કપલના મનમેળ માટે સુરત સાક્ષી બન્યું છે. લગ્ન બાદ સાત દિવસના હનિમૂન બાદ પરત ફરેલા કપલનો સુરતના ફાર્મ હાઉસમાં સત્કાર સમારોહ કહો કે મિનિ રિસેપ્શન યોજાયું હતું. જેમાં મર્યાદિત પરિવારના લોકો હાજર રહ્યા હતાં.
અંકલેશ્વરમાં રહેતા 68 વર્ષિય હરીશભાઈ પટેલ એ જણાવ્યું કે તેઓ ટિમ્બરનો વ્યવસાય કરે છે. જ્યારે તેમની પત્ની 7 મહિના પહેલાં બીમારીને કારણે ગુજરી જતાં તેઓ એકલતા અનુભવતા હતા. ગત મહિને તેઓ અનુબંધ ફાઉન્ડેશનના સંપર્કમાં આવ્યા હતા અને તેમને પાછલી જિંદગીમાં એકલતા દૂર કરવા ફરીથી લગ્ન કરવા જીવનસાથી શોધી આપવા જણાવ્યું હતું. બીજી તરફ મુંબઈમાં રહેતાં 65 વર્ષિય જ્યોત્સ્નાબેન જૈન ની બે દીકરી અને એક દીકરાનાં લગ્ન થઈ ગયાં છે, જ્યારે જ્યોત્સ્નાબેનના પતિ ગુજરી ગયા હોવાથી તે એકલતા અનુભવતાં હતાં. ગત વર્ષે મુંબઈમાં અનુબંધ ફાઉન્ડેશનનો કાર્યક્રમ જોયો હતો અને ત્યાંથી ફરીથી લગ્નનો વિચાર આવ્યો હતો. ગત મહિને સુરતમાં જ્યોત્સ્નાબેન અને હરીશભાઈ વચ્ચે મીટિંગ કરાવાઈ હતી. જેમાં બંને લગ્ન કરવા રાજી થયાં હતાં. જ્યારે જ્યોત્સ્નાબેનનાં બાળકોએ હરીશભાઈ સાથે મિટિંગ કરી હતી. લગ્ન 13 ડિસેમ્બરે સાદાઈથી કર્યાં હતાં. જ્યોત્સ્નાબેન અને હરીશભાઈએ રહેવા વડોદરાનો ગોત્રી વિસ્તાર પસંદ કર્યો હતો. જ્યાં હરીશભાઈએ જ્યોત્સ્નાબેનના પસંદનો એક ફ્લેટ બુક કરાવ્યો છે. ત્યારબાદ બંને હનિમૂન માટે નીકળી પડ્યા હતા. 13 ડિસેમ્બરના રોજ લગ્ન બાદ હરીશભાઈ અને જ્યોત્સ્નાબેન હનિમૂનના ભાગરૂપે 7 દિવસનો પ્રવાસ કરવાનું પસંદ કર્યું હતું. જેમાં ત્રણ દિવસ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ટેન્ટ હાઉસમાં, 2 દિવસ પોઈચા અને 2 દિવસ સાપુતારામાં રહ્યા હતા. હરીશભાઈએ તો લગ્ન પછી આખી દુનિયા ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
હનિમુન પરથી પરત ફરેલા કપલનો સુરતના ડભોલી ગામ ખાતે આવેલ ફાર્મ હાઉસમાં સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં મર્યાદીત પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
0 Comments